Surat|Bardoli news : બારડોલીમાં સુરત જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો.
જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ
ગરીબ કલ્યાણ મેળાઓ થકી એક એક જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી રાજ્ય સરકાર પહોંચી છે: ભાવિનીબેન પટેલ
ગરીબ કલ્યાણ મેળામાં અને ત્યારબાદ સુરત જિલ્લાના કુલ ૧૯,૩૮૪ લાભાર્થીઓને રૂ.૪૬ કરોડની સાધનસહાય અર્પણ કરવાનો અભિગમ
-------
રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય ગરીબ, જરૂરિયાતમંદ લાભાર્થીઓને એક જ સ્થળે હાથોહાથ આપવાના આશયથી રાજ્યભરમાં આયોજિત ગરીબ કલ્યાણ મેળાના ૧૪મા તબક્કા અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરત જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સરદાર પટેલ ટાઉન હોલ, બારડોલી ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને મોહનભાઈ ઢોડીયા તેમજ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું હાથોહાથ વિતરણ કરાયું હતું.
ગરીબ કલ્યાણ મેળા પહેલા, મેળામાં અને ત્યારબાદ કુલ ૧૯,૩૮૪ લાભાર્થીઓને રૂ.૪૬ કરોડની સાધનસહાય અર્પણ કરવાના અભિગમ સાથે જુદા જુદા વિભાગો દ્વારા માનવ કલ્યાણ યોજના, માનવ ગરિમા, સ્વસહાય જુથ સંબંધિત યોજનાઓ, આવાસ, વ્હાલી દિકરી, દિવ્યાંગ લગ્ન સહાય, કૃષિ અને પશુપાલનની યોજનાઓ, કુંવરબાઈ મામેરા, સ્વસહાય જૂથોને સ્ટાર્ટઅપ ફંડ, ગંગાસ્વરૂપા અને વૃદ્ધ સહાય પેન્શન, સ્વામિત્વ, વિદેશ અભ્યાસ લોન, આયુષ્માન કાર્ડ, નિ:શુલ્ક બસ પાસ, ખેડૂતોને ઓજાર સહાય, ખેતમજૂરોને સાધનસહાય સહિતની અનેકવિધ યોજનાના લાભો અપાયા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, વંચિતોના વિકાસની દરકાર કરીને ગરીબ કલ્યાણ મેળાઓ થકી એક એક જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી રાજ્ય સરકાર પહોંચી છે, અને લાભાર્થીઓને ઘરઆંગણે યોજનાકીય લાભો હાથોહાથ એનાયત કરવાની આપણે પ્રણાલી ઉભી કરી છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સુશાસનના સંકલ્પ સાથે ગરીબો, વંચિતો માટે સમર્પિત રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળાની પરંપરાને જાળવી રાખી છે, ત્યારે તેમણે સાધન સહાય, રોજગાર કીટ્સથી લાભાર્થીઓ આર્થિક પગભર બની શકશે એમ ઉમેર્યું હતું.
ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યુ કે, ગરીબો અને વંચિતોને સરકારી યોજનાઓના લાભ હાથોહાથ પહોંચાડીને તેમને આત્મનિર્ભર બનાવવા ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યભરમાં અગાઉ તેર તબકકામાં યોજાયેલા ૧૬૦૪ ગરીબ કલ્યાણ મેળાઓ થકી ૧.૬૬ કરોડ લાભાર્થીઓને રૂા.૩૬,૮૦૦ કરોડની સહાય આપવામાં આવી છે, જે એક મોટું સીમાચિહ્ન છે.
શ્રી પરમારે કહ્યું કે, ભૂતકાળની સરકારોમાં વચેટિયા વિના યોજનાકીય લાભો મેળવવા દુષ્કર હતા, ત્યારે અમારી સરકારે વચેટિયા, એજન્ટો દલાલોને નેસ્ત નાબૂદ કર્યા છે અને સીધા બેન્ક ખાતામાં જ સો ટકા સહાય પહોંચે એવી પારદર્શક વ્યવસ્થા ઉભી કરી છે.
સ્વાગત પ્રવચન કરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એમ.બી. પ્રજાપતિએ ગરીબ કલ્યાણ મેળાની રૂપરેખા આપી હતી.
આ વેળાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બનાસકાંઠામાં આયોજિત રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
કાર્યક્રમમાં સ્વચ્છતા હી સેવા અભિયાન, બારડોલી તાલુકાના બાબેન ગામની સ્વચ્છતા, ગ્રામીણ કૌશલ્ય વિકાસ તેમજ વોટરશેડ યોજનાની શોર્ટ ફિલ્મોનું નિદર્શન ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ સ્વચ્છતા અને શ્રમદાનના શપથગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે તા. પંચાયત પ્રમુખ જમુનાબેન રાઠોડ, નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ, જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, પ્રાંત અધિકારી જિજ્ઞા પરમાર, અગ્રણીઓ જિગર નાયક, ભારતીબેન રાઠોડ, રોશનભાઈ, જિ. પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનો, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment