વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભુજ ખાતે લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો

  


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભુજ ખાતે લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો

૦૦૦૦

મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ સ્વનિર્ભર બની વિકસીત ભારતના સ્વપનને સાકાર કરવામાં સહયોગ આપવા ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલનો અનુરોધ

૦૦૦૦

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું

૦૦૦૦

ભુજ, રવિવાર 

 દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભુજના ટાઉન હોલ ખાતે ધારાસભ્યશ્રી કેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથો/સખી મંડળને વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. 


ભુજ ટાઉનહોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, છેવાડાનો માનવી કોઇપણ વિકાસથી વંચિત ન રહી જાય તે વડાપ્રધાનશ્રીની નેમ છે , આ નેમ હેઠળ જ વિવિધ વર્ગ તથા વયજુથ માટે વિકાસ યોજનાઓ અમલી કરી છે. જેમાં મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. મહિલાઓ પગભર બને તે માટે માત્ર આર્થિક નહીં પરંતુ તાલીમ સહિતની તમામ પૂરક સહાય સરકાર દ્વારા આપીને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સક્રીય કામગીરી કરવામાં આવી રહી છે. વડાપ્રધાનશ્રી લખપતિ દીદી, ડ્રોન દીદી, બેંક સખી, કૃષિ સખી, પશુ સખી બનવા માટે મહિલાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. ત્યારે મહિલાઓ પણ ઘરની બહાર કદમ મુકીને પોતાની શક્તિઓનો ઉપયોગ કરી સરકારની યોજનાઓનો લાભ લે તે જરૂરી છે. તેમણે મહિલાઓને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોનો ભાગ બનવા આહવાન કર્યું હતું.    



આ પ્રસંગે ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી દેશની મહિલાઓને સશક્ત કરવા, આત્મનિર્ભર બનાવવા તથા તેમના માટે રોજગારીના સર્જન માટે સતત પ્રયત્નશીલ છે. ત્યારે લખપતિ દીદી અભિયાન હેઠળ અનેક મહિલાઓ આગળ વધી રહી છે તેમણે મહિલાઓને વિવિધ કામમાં સક્ષમ બનવા, પોતાની આત્મશક્તિ દ્વારા પગભર બનવા સાથે પરિવાર, સમાજ, રાજય અને દેશના વિકાસમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. 

વડાપ્રધાનશ્રીએ જલગાંવથી સમસ્ત મહિલાઓને વર્ચ્યુઅલી સંબોધન કરીને નારીશક્તિને બિરદાવતા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મહિલાઓને સક્ષમ બનવા સંદેશ આપ્યો હતો.   



કાર્યક્રમમાં લખપતિ દીદીને સર્ટિફિકેટ વિતરણ, સ્વસહાય જૂથોને રિવોલ્વીંગ ફંડ,  કલસ્ટર લેવલ ફેડરેશનને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાળવણીના મંજૂરી પત્રો તથા કૅશ ક્રેડિટ લોનના ચેકોનું વિતરણ તથા શ્રેષ્ઠ બેંક સખી, કૃષિ સખી તથા લખપતિ દીદીને સન્માનપત્રો આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નમો ડ્રોન દીદી નીલમ ભીમાણી, બેંક સખી પ્રિયા ભટ્ટ તથા પશુ સખી હીનાબેન રબારીએ પોતાના અનુભવો મહિલાઓને જણાવી પ્રેરણા પૂરી પાડી હતી.  

આ કાર્યક્રમમાં આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોકારી ચેરમેનશ્રી ઘેલાભાઇ ચાવડા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી ગંગાબેન સેંઘાણી, આગેવાનશ્રી હરીભાઇ જાટીયા, કરસનજી જાડેજા, કલેકટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિકુંજ પરીખ, નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડ્યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિજયાબેન પ્રજાપતિ, પદાધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, મોટીસંખ્યામાં મહિલાઓ ઉપસ્થિતિ રહી હતી. 



Comments