Dahod : ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત દાહોદ જિલ્લામાં ઉલ્લાસમય ઉજવણી
જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને સંજેલી તાલુકાની વિવિધ ૩ શાળાઓ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
શાળાઓમાં નવીન ઓરડાના લોકાર્પણ સહિત કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
દાહોદ : દાહોદ જિલ્લામાં સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩ થી સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-૨૫’ ની ઉલ્લાસમય ઉજવણી થીમ સાથે પ્રારંભ કરાયો છે.
આ કાર્યક્રમ અન્વયે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને સંજેલી તાલુકાની વિવિધ ૩ શાળાઓ જસુણી મુખ્ય પ્રાથમિક શાળા, જસુણીની મુવાડી તેમજ માધ્યમિક શાળા નેનકી ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત, પ્રાર્થના રજુ કરી મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. કલેક્ટરશ્રી સહિત મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. કાર્યક્રમના ભાગરૂપે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે જસુણીની મુવાડી પ્રાથમિક શાળામાં નવીન ઓરડાનું લોકાર્પણ, જસુણી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે નવીન ઓરડાના લોકાર્પણ સહિત કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કાર્યક્રમના અંતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ એસ.એમ.સી. ની બેઠક યોજી હતી જેમાં શાળાને લગતી તમામ વિગતો તેમજ શાળાકીય કામગીરી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.
શાળા પ્રવેશોત્સવ નિમિતે લાયઝન અધિકારી, એ.પી.એમ.સી. ડીરેક્ટરશ્રી મહેન્દ્રભાઈ પલાસ, તાલિકા પંચાયત સભ્યશ્રી, શાળા સ્ટાફ, સરપંચશ્રી, ગ્રામજનો તેમજ નાનકડાં ભુલકાંઓ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment